હિમાચલ પ્રદેશે ઐતિહાસિક પ્રદર્શન કરતા વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હિમાચલ પ્રદેશે સેમિ ફાઇનલમાં સર્વિસેજની ટીમને 77 રનથી હરાવ્યુ હતુ. હિમાચલ પ્રદેશની ટીમ વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં પ્રથમ વખત પહોચી છે. ફાઇનલમાં તેનો મુકાબલો તમિલનાડુ સામે થશે. ફાઇનલ મુકાબલો રવિવારે રમાશે.
સર્વિસેજે જયપુરમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને હિમાચલ પ્રદેશને પ્રથમ બેટિંગ કરવા માટે બોલાવી હતી. હિમાચલ પ્રદેશે 6 વિકેટ ગુમાવી 281 રનનો સ્કોર બનાવ્યો હતો. હિમાચલ પ્રદેશ તરફથી કેપ્ટન રિષિ ધવને સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓપનર પ્રશાંત ચોપડાએ 78 રન બનાવ્યા હતા. આકાશ વશિષ્ઠે 45 અને દિગ્વિજય રાંગીએ 37 રનનું યોગદાન આપ્યુ હતુ.
282 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સર્વિસેજની ટીમને ઝટકા લાગ્યા હતા. આ કારણે તેની આખી ટીમ 46.1 ઓવરમાં 204 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. સર્વિસ તરફથી કેપ્ટન રજત પાલીવાલે 55 રન અને રવિ ચૌહાણે 45 રન બનાવ્યા હતા. સર્વિસેજ માટે આ બન્ને સિવાય કોઇ પણ બેટ્સમેન 40 રનથી વધુ રન બનાવી શક્યો નહતો. હિમાચલ પ્રદેશ તરફથી કેપ્ટન રિષિ ધવને બેટિંગ બાદ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, તેણે 4 વિકેટ ઝડપી હતી. સિદ્ધાર્થ શર્મા અને આકાશ વશિષ્ઠે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.
વિજય હજારે ટ્રોફીની બીજી સેમિ ફાઇનલ તમિલનાડુ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઇ હતી. સૌરાષ્ટ્રે આ મેચમાં 310 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો પરંતુ તમિલનાડુની શાનદાર બેટિંગ સામે રનોનો આ પહાડ નાનો લાગ્યો હતો. ઓપનર બાબા અપરાજિત (112)ની સદીની મદદથી તમિલનાડુએ 49.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને પડકાર મેળવી લીધો હતો. વોશિંગ્ટન સુંદરે 61 બોલમાં 70 રનની ઇનિંગ્સ રમી તમિલનાડુને પોતાના પડકાર સુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.