વિરાટ કોહલીએ ક્રિકેટમાં ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, ત્યારે હાલમાં જ ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમેચમાં પણ વિરાટ કોહલીએ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પરંતુ આ રેકોર્ડ એવો છે જેના પર કોહલી સહિત સમગ્ર દેશને શર્મ આવી જશે, કેમ કે વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે 10મી વખત ઝીરો પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ટેસ્ટ મેચરમાં કેપ્ટન તરીકે 10મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની ગ્રીમ સ્મિથ (10 વખત)ના અણગમતા રેકોર્ડની બરોબરી કરી હતી. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો સ્ટિફન ફ્લેમિંગ પ્રથમ સ્થાને છે જે 13 વખત ટેસ્ટમાં ઝીરોમાં આઉટ થયો હતો. ભારતના અન્ય સુકાનીમાં ધોની આઠ વખત શૂન્યમાં આઉટ થયો હતો. ધોની ઉપરાંત ઇંગ્લેન્ડનો માઇકલ આર્થટન અને સાઉથ આફ્રિકાનો હેન્સી ક્રોન્યે આઠ-આઠ વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા.
એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત શૂન્યમાં આઉટ થનાર ભારતીય સુકાનીઓમાં બિશનસિંહ બેદી, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. બિશનસિંહ 1976માં, કપિલ દેવ 1983માં, ધોની 2011માં તથા કોહલી 2021માં ચાર-ચાર વખત ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. મુંબઇ ટેસ્ટના પ્રથમ દિવસે અમ્પાયરના ખોટા નિર્ણયનો ભોગ બનેલા કોહલીએ પેવેલિયન પાસે આવેલા જાહેરખબરના હોર્ડિંગ ઉપર બેટથી ગુસ્સો ઉતાર્યો હતો.