નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપને પણ અલવિદા કહી દીધું છે. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહ્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દીધી છે. કોહલીએ એક ભાવુક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટે દ.આફ્રિકા સામે ટેસ્ટમાં મળેલી કારમી હાર પછી આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા છે.
કોહલીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા મેસેજમાં લખ્યું કે મેં 7 વર્ષથી ટીમને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનાવી છે અને આમાં મારું સંપૂર્ણ સમર્પણ આપ્યું છે. મેં આ તમામ ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવી છે. દરેક યુગનો એક સમય હોય છે અને મને લાગી રહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે મારો બસ આ ક્ષણો પૂરતો જ સમય હતો. આ દરમિયાન મેં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે અને દરેક મેચમાં એક ખેલાડી અને કેપ્ટન તરીકે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે.
— Virat Kohli (@imVkohli) January 15, 2022
વિરાટ કોહલીએ પોતાના સાથીઓ, બીસીસીઆઈ, રવિ શાસ્ત્રી અને એમ.એસ. ધોનીનો આભાર માન્યો હતો. વધુમાં કોહલીએ કહ્યું કે હું જે કોઈ પણ કામ કરૂં છું તેમાં મારું 120 ટકા આપું છું અને જો મારું 120 ટકા ન આપી શકું તો મારે એ કામ ન કરવું જોઈએ એવું હું માનું છું. મારૂં દિલ સાફ છે ને હું મારી ટીમ માટે ક્યારેય અપ્રમાણિક ન બની શકું.’ મને તક આપવા બદલ હું બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરવા માંગું છું.મને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક લાંબા સમય સુધી આપવામાં આવી તે બદલ આભાર. ખાસ કરીને મારા સાથીઓનો જેમણે પહેલાં જ દિવસથી મારા વિઝનમાં વિશ્વાસ કરી અને ક્યારેય નમતું ન જોખ્યું તેમનો પણ આભાર. તમે લોકોએ આ સફરને યાદગાર અને અતિશય સુંદર બનાવી.
કોહલીએ લખ્યું કે રવિ ભાઈ અને સપોર્ટ સ્ટાફ જેમણે સતત આ વિઝનમાં વિશ્વાસ કરી અને આ એન્જિનને ટેસ્ટ ક્રિકેટમાં ઉપર લઈ જવા માટે ઈંધણ પૂર્યુ તેમનો આભાર. વિરાટ કોહલીએ પોતાની પોસ્ટનો અંતમાં ધોનીના આભાર સાથે કર્યો. કોહલીએ લખ્યું ખાસ તો એમ.એસ. ધોનીનો આભાર જેમણે મારામાં એક કેપ્ટન જોયો અને વિશ્વાસ બતાવ્યો કે હું ભારતીય ટેસ્ટ ક્રિકેટને આગળ ધપાવી શકું છું.