ટી-20 વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર થઇ ગઇ છે અને ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં પહોંચનાર ચોથી ટીમ બની ગઇ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમોએ ટી-20ની સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. એટલે હવે સોમવારે ભારતીય ટીમની નામીબીયા સામેની મેચ માત્ર ઔપચારીકતા પુરતી રમાશે. પરંતુ એ મેચની ખાસ વાત એ હશે કે વિરાટ કોહલી ટી-20માં કેપ્ટન તરીકેની છેલ્લી મેચ હશે અને કેપ્ટન તરીકે 50મી ટી-20 મેચ રમશે.
ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપ 2021ની શરૂઆત થઇ એ પહેલાંજ વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ વિરાટ કોહલી ભારતીય ટીમનો ખેલાડી રહેશે. જ્યારે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની છેલ્લી મેચ નામીબીયા સામે થવાની છે. આ મેચની સાથે જ વિરાટ કોહલીની ટી-20 ફોર્મેટમાં કેપ્ટન તરીકેની સફર પણ પૂર્ણ થશે. વિરાટ કોહલીએ પોતાની બેટિંગ અને ટાઇમ શિડ્યૂલ પર ફોક્સ કરવા માટે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે, સાથે વિરાટ કોહલી IPLમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની પણ કેપ્ટનશીપને છોડવાનો નિર્ણય કરી ચુક્યો છે.
વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાં કુલ 49 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 29માં જીત અને 16 મેચમાં હારનો સ્વાદ ચાખવા મડ્યો છે. તો બે મેચ ટાઇ ગઇ હતી અને બેના પરિણામ આવ્યા નહોતા. વિરાટ કોહલી ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે રહેનારની યાદીમાં બીજા સ્થાન પર આવે છે. પહેલાં સ્થાન પર મહેન્દ્ર સિંહ ધોની છે, જેણે 72 મેચમાં કેપ્ટનશીપ કરી છે.
ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપથી ભારતીય ટીમ પરત આવશે ત્યારબાદ ટી-20 ફોર્મેટ માટે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. કેમ કે ભારતીય ટીમને વર્લ્ડકપ પછી તુરંત ન્યૂઝીલેન્ડની સામે સીરીઝ રમવાની છે. આ સીરીઝ દરમિયાન, ભારતીય ટીમનો નવો ટી-20 ફોર્મેટનો કેપ્ટન નક્કી થઇ શકે છે. આ માટે સૌથી ટોચ પર રોહિત શર્મા, કે.એલ.રાહુલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓના નામ ચર્ચાઇ રહ્યા છે.