નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે ભારતીય પુરુષ ટીમના કોચની જવાબદારી સંભાળી છે. જ્યારે વીવીએસ લક્ષ્મણને હવે નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ બનાવવામાં આવ્યા છે. ગાંગુલીએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. પીટીઆઇ સાથેની વાતચીતમાં ગાંગુલીએ કહ્યું કે બે નવી નિમણૂકથી તે ખૂબ ખુશ છે. બંન્નેએ ભારતીય ક્રિકેટ માટે ઘણુ કર્યું છે.
સૌરવ ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો કે તેમણે કેવી રીતે રાહુલ દ્રવિડ અને લક્ષ્મણને મનાવવામાં સફળ રહ્યા ત્યારે ગાંગુલીએ કહ્યું કે તેઓને સમજાવવા પડ્યા કે આ બહુ જરૂરી છે અને તેઓ માની ગયા. લક્ષ્મણને લઇને ગાંગુલીએ કહ્યું કે ભારતીય ક્રિકેટમાં તેનું નામ મોટું છે. એનસીએના ચીફ માટે લક્ષ્મણ સૌથી બેસ્ટ છે. આ માટે લક્ષ્મણે કોમેન્ટ્રી, સનરાઇઝર્સ હૈદરાબાદમાં મેન્ટરશીપ અને અનેક ચીજો છોડવી પડી છે. એટલું જ નહી આગામી ત્રણ વર્ષ લક્ષ્મણ પોતાના પરિવાર સાથે બેંગલુર શિફ્ટ થવું પડી રહ્યું છે.
ગાંગુલીએ કહ્યું કે આમ કરવાની લક્ષ્મણની કમાણી પર પણ ફર્ક પડશે. લક્ષ્મણે બાળકોનો અભ્યાસ હવે બેંગ્લોરમાં કરવો પડશે. આમ કરવું સરળ નથી. જ્યાં સુધી તમે ભારતીય ક્રિકેટની મનથી સેવા કરવા માંગતા ન હોય ત્યાં સુધી તમે આવું કરી શકો નહીં. નોંધનીય છે કે લક્ષ્મણને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાવાથી કરોડો રૂપિયાની કમાણી થઇ રહી હતી. તે સિવાય જાહેરખબરો અને કોમેન્ટ્રીથી પણ લક્ષ્મણ કમાણી કરી રહ્યો હતો પરંતુ હવે તેને આ બધુ છોડી નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ તરીકે સેવા આપવી પડશે.