નવી દિલ્હીઃ તાજેતરમાં જ વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથની એક તસવીર વાયરલ થઇ હતી જેમાં વડાપ્રધાન મોદી યોગી આદિત્યનાથના ખભા પર હાથ મુકીને જઇ રહ્યા છે. આ તસવીર યોગી આદિત્યનાથે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને સાથે કવિતા પણ લખી હતી. આ તસવીરને લઇને ખૂબ ચર્ચા કરાઇ હતી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સીતાપુરમાં લોકોને સંબોધતા આ તસવીરમાં વડાપ્રધાન મોદી યોગી આદિત્યનાથને શું વાત કરી રહ્યા છે તેનું રાઝ ખોલ્યું હતું.
રાજનાથ સિંહે કહ્યું કે જે તસવીર વિરોધીઓ વચ્ચે ચર્ચામાં છે તેમાં વડાપ્રધાન મોદી યોગી આદિત્યનાથને શું કહી રહ્યા છે તે અંગે હું તમને બતાવું છું. રાજનાથ સિંહે કહ્યું કે મોદીજી યોગી આદિત્યનાથને કહી રહ્યા છે કે ધડાધડ બેટિંગ કરતા રહો. રાજનાથ સિંહે રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને વિકાસની સ્થિતિ પર યોગી આદિત્યનાથના વખાણ કરતા કહ્યું કે યોગીજી એક શાનદાર બેટ્સમેનની જેમ બેટિંગ કરી રહ્યા છે.
તમે બધાએ એ ફોટો જોયો હશે, લોકો પરેશાન હતા કે મોદી યોગીને આખરે શું કહી રહ્યા છે. મોદીજી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કહી રહ્યા છે કે આવી જ રીતે ધડાધડ બેટિંગ કરતા રહો, ધડાધડ બેટિંગ કરતા રહો.