ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં વિદેશમાં સટ્ટાબાજી સાથે સંકળાયેલી કંપનીએ આઇપીએલની ટીમ ખરીદી છે તેવો આક્ષેપ આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ કર્યો છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, મને તો લાગે છે કે, સટ્ટો રમાડતી કંપનીઓ પણ હવે ટીમ ખરીદી શકે છે. કદાચ આ કોઈ નવો નિયમ ભારતના ક્રિકેટ બોર્ડે બનાવ્યો છે. કારણકે બોલી લગાવનાર પૈકી એક ક્વોલિફાય થયા છે અને તે સટ્ટો રમાડતી બહુ મોટી કંપનીના માલિક છે. એવુ સમજવુ રહ્યુ કે, ક્રિકેટ બોર્ડે પોતાનુ હોમવર્ક બરાબર કર્યુ નથી. હવે આ મામલામાં એન્ટી કરપ્શન યુનિટ શું કરશે? બેટિંગ કંપનીઓ પણ એક ટીમની માલિક બની શકે છે અને તેનાથી આગળ કશું બચતુ નથી.
કદાચ મોદી જે કંપનીનો ઉલ્લેખ કરી રહ્યા છે તે સીવીસી કેપિટલ હોઈ શકે છે. કારણ કે મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ કંપનીએ બેટિંગ કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યુ છે. આ સ્થિતિ ક્રિકેટ બોર્ડ માટે આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
ભારતમાં સટ્ટા પર પ્રતિબંધ છે, એવા સંજોગોમાં બીસીસીઆઇ જો CVC કેપિટલ પાર્ટનર્સને અયોગ્ય ઠેરવે એવા નિર્દેશ મળી રહ્યા છે અને એમ થાય તો બીજા નંબરના બીડર અદાણી જુથને IPLમાં અમદાવાદની ટીમ મળી શકે છે.
નોંધનીય છે કે આઈપીએલની આગામી સીઝનમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે. સોમવારે દુબઈમાં નવી બે ટીમોની હરાજી થઈ હતી. જેમાં લખનૌની ટીમને આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં અને સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમને 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી.