આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્મચારી ભીષ્મ પિતામહને પોતાના પિતા શાંતનુ પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. પરંતુ મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કરવા આવે છે ત્યારે શિખંડીને ઢાલ બનાવે છે. નીતિવાન ભીષ્મ પિતામહ શિખંડી ઉપર પ્રહાર ન કરી શક્યા અને અર્જુને તેનો લાભ લઈ તેમને બાણોથી વીંધી નાખ્યા. ત્યારે બાણ શય્યા પર રહીને મુક્તિ ઇચ્છતા ભીષ્મ પિતામહ ઉત્તરાયણ સુધીના સમયની પ્રતિક્ષા કરે છે. ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવા છતાં ઘણાં અઠવાડિયાઓ સુધી અસહ્ય પીડા સહન કરે છે.
સૂર્ય ઉત્તરનો થયા બાદ પ્રકૃતિમાં થનારા પરિવર્તનના અનુભવમાં તેમજ યુદ્ધ દક્ષિણ આયનમાં શરૂ થયું હોવાના કારણે સૂર્ય જ્યાં સુધી ઉત્તર આયનનો ન થાય ત્યાં સુધી તેઓ શરીર ત્યાગ કરવા માગતા નહોતા. તેથી જ તેમણે ઉત્તરાયણના સમય બાદ શરીરનો ત્યાગ કર્યો. ઉત્તરાયણ મનુષ્યના આધ્યાત્મ અને જ્ઞાનની ક્ષમતામાં વધારો કરવાનો સમય છે. સમગ્ર માનવ પ્રણાલી અન્ય કોઈપણ સમય કરતાં આ સમયે સૌથી વધુ ગ્રહણશીલ બની પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે.
આ વર્ષની વાત કરીએ તો, 2022ના નવા વર્ષમાં સૂર્ય 14મી જાન્યુઆરીએ બપોરે 2.29 વાગ્યે મકર રાશિમાં ગોચર કરશે. જે 13 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં જ રહેશે અને ત્યારબાદ કુંભ રાશિમાં આગળ વધશે. આમ તો, વર્ષ દરમિયાન 12 સંક્રાંતિ આવતી હોય છે. પરંતુ આપણી હિંદુ પરંપરામાં મકર સંક્રાંતિનું અનેરું મહત્ત્વ છે.