નવી દિલ્હીઃ સંપત્તિ નહી, માનવતા જ સૌથી મોટું ધન છે. જેનું જીવતું જાગતુ ઉદાહરણ ઓડિશાના કટક જિલ્લાના સમાનેમાંથી આવ્યું છે. આ ઘટના સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે. એક વૃદ્ધ મહિલાએ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહેલા એક રિક્ષા ચાલકના નામે ત્રણ માળનું મકાન અને આખી સંપત્તિ કરવાનો નિર્ણય લીધો છે.
જેના કારણે વૃદ્ધ મહિલાના સંબંધીઓ તેને ખૂબ સંભળાવી રહ્યા છે પરંતુ મહિલા પોતાના નિર્ણય પર અડગ છે. વર્તમાન સમયમાં મકાન, ઝવેરાત અને અન્ય ઘરેલુ સામાનની કિંમત એક કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
63 વર્ષીય મિનાતી પટનાયક કટક જિલ્લાના સુતાહટા વિસ્તારમાં રહે છે. છેલ્લા વર્ષે તેમના પતિ કૃષ્ણ કુમાર પટનાયકના નિધન બાદ પોતાની દીકરી કોમલ સાથે ઘર પર રહેવા લાગ્યા હતા. છ મહિના બાદ તેમની દીકરી કોમલનું પણ હાર્ટ અટેકના કારણે નિધન થતા મિનાતી પુરી રીતે તૂટી ચૂક્યા હતા અને પરિવારજનોએ તેમને એકલા જ જિંદગી જીવવા છોડી દીધા હતા.
પરંતુ આવા કપરા સમયમાં રીક્ષા ચાલક બુદ્ધા સામલ અને તેમના પરિવારે નિસ્વાર્થ ભાવે મિનાતીની સેવા કરી. રીક્ષા ચાલકનો પરિવાર મિનાતીને પોતાના ગણી ખૂબ સેવા કરતો હતો. મિનાતીએ કહ્યું કે હું મારી આખી સંપત્તિ એક ગરીબ પરિવારને દાનમાં આપવા માંગતી હતી. મે કાયદાકીય રીતે મારી તમામ સંપત્તિ રીક્ષા ચાલક સામલના નામે કરવાનો નિર્ણય લીધો છે જેથી મારા મર્યા બાદ તેને ખૂબ મુશ્કેલીઓ આવે નહીં.
મિનાતી કહે છે કે મારા આ નિર્ણયનો મારી બહેને જ વિરોધ કર્યો છે. મારી દીકરી કોમલના મોત બાદ પરિવારના એક પણ સભ્યએ મારી સંભાળ રાખી નહી. એક પણ સભ્ય મને મળવા માટે પણ આવ્યો નહોતો. સામલ અને તેનો પરિવાર છેલ્લા 24 વર્ષોથી મારા પરિવાર સાથે ઉભો છે. કોમલ નાની હતી અને સ્કૂલ જતી હતી ત્યારે બુદ્ધા તેનું ધ્યાન રાખતો હતો.
રીક્ષા ચાલક સામલે કહ્યું કે અમે વર્ષોથી મિનાતીજીના પરિવારની નિસ્વાર્થ સેવા કરવાનો પ્રયાસ કર્યો. હવે ફક્ત મિનાતીજી જ આ દુનિયીમાં છે અને અમે તેમની ખૂબ સંભાળ રાખી રહ્યા છીએ. મારા નામે સંપત્તિ કરવી એ તેમની મહાનતા છે.