એશિયા કપની 15મી આવૃત્તિ આ વર્ષે 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થવા જઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ખિતાબના બચાવ માટે મેદાનમાં ઉતરશે. છેલ્લી 14 એડિશનમાં ભારતે 7 વખત એશિયા કપ ટ્રોફી જીતી છે, જ્યારે શ્રીલંકા 5 વખત અને પાકિસ્તાન 2 વખત જીત્યું છે. આ વર્ષે કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે, જ્યારે ભારત 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. સમગ્ર ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાશે.
- T20-ODI એશિયા કપ
આ વર્ષે એશિયા કપનું આયોજન T20 ફોર્મેટમાં કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લી વખત આ ટૂર્નામેન્ટ 2018માં 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ હતી. આની પાછળ ICC જવાબદાર છે. એપ્રિલ 2015માં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલનું કદ ઘટાડ્યા પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી એશિયા કપ રોટેશનના આધારે ODI અને T20 ફોર્મેટમાં રમાશે. તે ICC વર્લ્ડકપ ઈવેન્ટ પર પણ નિર્ભર રહેશે.
- એશિયા કપ T20 ફોર્મેટમાં
2016માં પ્રથમ વખત એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો. T20 વર્લ્ડકપ 2016ના થોડા સમય પહેલા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 2019 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને 2018માં એશિયા કપ ODI ફોર્મેટમાં યોજાયો હતો. હવે 2022 T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને, આ વર્ષે એશિયા કપ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજવામાં આવી રહ્યો છે.
- T20 ફોર્મેટમાં ભારત ચેમ્પિયન
ICC દ્વારા બંને ફોર્મેટમાં એશિયા કપ રમાડવાની જાહેરાત કર્યા બાદ સૌપથમ 2016માં એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. જે બાદ 2018માં રોટેશન પદ્ધતિના આધારે ODI ફોર્મેટમાં એશિયા કપનું આયોજન થયું જેમાં પણ ટીમ ઇન્ડિયા વિજેતા બન્યું હતું