ભારતમાં ક્રિકેટની રમત લોકોમા એક વ્યસન સમાન છે. લોકો ક્રિકેટ જોવાની સાથે તેને જીવે તેને માણે છે એવું કહેવું જરા પણ અતિશ્યોક્તિભર્યુ નથી. આવી શાનાદાર રમત સાથે જોડાયેલા મહિલા ક્રિકેટર મિતાલી રાજે પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સાથે મિતાલીએ નિવૃત્તિના સમયમાં શું કરશે તેનો પ્લાન પણ તૈયાર કરી લીધો છે. મિતાલી રાજે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું ક્રિકેટથી દૂર થવા માંગતી નથી, હું એડમિનિસ્ટ્રેશનનો ભાગ બીનીને ભારતીય મહિલા ક્રિકેટમાં યોગદાન આપીશ’
ભારતીય મહિલા ક્રિકેટનું ગૌરવ કહેવાતી મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. લગભગ 23 વર્ષની કારકિર્દી ખતમ કર્યા પછી પણ મિતાલી રાજ હજુ પણ ક્રિકેટથી દૂર થવા માંગતી નથી. મિતાલી રાજ કહે છે કે તે એડમિનિસ્ટ્રેશનનો ભાગ બનીને ભારતીય મહિલા ક્રિકેટમાં યોગદાન આપી શકે છે. મિતાલી રાજે કહ્યું કે એક ખેલાડી તરીકે તેણે મહિલા ક્રિકેટના વિવિધ તબક્કા જોયા છે, તેથી તેનો યોગ્ય ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે.
મિતાલીનું શાનદાર કરિયર
તમને જણાવી દઈએ કે મિતાલી રાજે હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મિતાલી રાજે 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને 2022માં ક્રિકેટને અલવિદા કહ્યું. મિતાલી રાજની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાં થાય છે. મિતાલી રાજે પોતાની કારકિર્દીમાં કુલ 232 ODI મેચ રમી જેમાં તેના નામે 7805 રન છે. આ સમયગાળા દરમિયાન મિતાલી રાજની એવરેજ 50.68 હતી. મિતાલી રાજે વર્લ્ડ કપમાં જ પોતાની છેલ્લી ODI મેચ રમી હતી. મિતાલીએ નિવૃત્તિ લેતી વખતે કહ્યું હતું કે તે તેની બીજી (નવી) ઇનિંગમાં કંઈક સારું કરવા માંગે છે.