પોષ મહિનાના સુદ પક્ષની ચોથ 6 જાન્યુઆરી, 2022ના ગુરુવારના રોજ છે. જેને વિનાયક ચોથ કહેવામાં આવે છે. ગણેશજીની કૃપા મેળવવા માટે આ દિવસે વ્રત અને પૂજા કરવાનું વિધાન છે. સાથે જ, સાંજે ચંદ્રના દર્શન કરી જળ ચઢાવવામાં આવે છે. પછી ગણેશજી સાથે જ ચંદ્રની પૂજા કરવામાં આવે છે. પરણિતા મહિલાઓ માટે આ દિવસ ખાસ હોય છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન ગણેશ સાથે શિવ-પાર્વતી અને ચંદ્રની પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે.
ગણેશ પુરાણ પ્રમાણે, ચોથ તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. દરેક મહિનામાં બે ચોથ તિથિ હોય છે. એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષમાં. સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ કહેવાય છે જ્યારે વદ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવાય છે. અનેક જગ્યાએ વિનાયક ચોથને વરદ વિનાયક ચોથ પણ કહેવામાં આવે છે. આ બંને તિથિઓમાં ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે છે.
સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને સાફ કપડા પહેરવાં. તે પછી પૂજા અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લેવો. પૂજા સમયે શ્રદ્ધા પ્રમાણે સોના, ચાંદી, પીત્તળ, તાંબા કે માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. તે પછી સુગંધિત વસ્તુઓથી ભગવાનની પૂજા અને આરતી કરો. પૂજા કરતી સમયે ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરો. પછી ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો.ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. પછી લાડવાનો પણ ભોગ ધરાવો. તે પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપો. સાંજે ફરી ગણેશજીની પૂજા અને આરતી કરો. તે પછી ભોજન કરવું.
વિનાયક ચોથના દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે. વિનાયક ચોથ તિથિએ શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે. એકવાર બપોરે અને પછી સાંજના સમયે. માન્યતા છે કે વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે. ચોથ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.