ICC વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2022માં ન્યુઝીલેન્ડ ખાતે આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં રમાનાર છે. આ વર્લ્ડકપની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની પસંદગી કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના પ્રવાસે જનાર અને વિશ્વકપ રમનાર ભારતીય મહિલા ટીમમાં વડોદરાની ડાબોડી સ્ટાઈલીસ્ટ બેટધર અને વિકેટ કીપર યાસ્તિકા ભાટિયાની પસંદગી થતાં તે મુંબઇ ખાતે ભારતીય ટીમ સાથે જોડાવવા માટે વડોદરા એરપોર્ટથી રવાના થઇ હતી. મુંબઇથી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે. મુંબઇ રવાના થતાં પહેલાં યાસ્તિકાએ જણાવ્યું હતું કે, વિશ્વકપ ભારત જીતે તે માટે મારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે. મારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે કોઈ કસર નહીં રાખું.
BCCI એ વિમેન્સ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડમાં આ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનાર છે. વર્લ્ડ કપની ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ કરાયો છે. મુંબઇ જવા માટે યાસ્તિકા વડોદરા એરપોર્ટ પર પહોંચી ત્યારે ભારતીય મહિલા ટીમના પૂર્વ મેનેજર અને બીસીએના ચીફ સીલેક્ટર (મહિલા ટીમ) ગીતા ગાયકવાડે વિશ્વકપ માટેની શુભેચ્છા પાઠવી હતી. યાસ્તિકાના પિતા હરીશ ભાટિયાએ જણાવ્યું હતું કે, તે વિશ્વકપ માટે ખૂબ ઉત્સાહી છે, જતાં પહેલાં મને કહ્યું કે પપ્પા હું વર્લ્ડ કપ સાથે પાછી આવીશ. તેણીએ ન્યુઝીલેન્ડની ફાસ્ટ વિકેટો સાથે તાલમેલ મેળવવા માટે રિલાયન્સ ક્રિકેટ મેદાન ખાતે પૂર્વ ક્રિકેટર કિરણ મોરેના નેજા હેઠળ રોજ ત્રણ કલાક સ્પીન અને પેસ બોલિંગની મુંબઇ જતાં સુધી પ્રેક્ટિસ જારી રાખી હતી.
ન્યુઝીલેન્ડ ખાતે ન્યુઝિલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ પાંચ વન-ડે અને ટી-20 મેચ અને ત્યારબાદ વિશ્વકપ રમશે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયેલી ભારતની ત્રણેવ ફોર્મેટની ટીમમાં યાસ્તિકા ભાટિયાનો સમાવેશ થયો હતો. યાસ્તિકા બોલદીઠ રન કરવામાં ખૂબ માહેર છે. તેની આક્રમક બેટિંગ તેનું જમા પાસું છે. ગત વર્ષે યાસ્તિકાએ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું. વર્લ્ડકપ ન્યૂઝીલેન્ડમાં યોજાવાનો છે, તે પહેલાં સીરિઝ ઉપયોગી સાબિત થશે. ન્યૂઝીલેન્ડની બાઉન્સી પિચો માટેની તૈયારી અંગે યાસ્તિકાએ જણાવ્યું હતું કે, બેંગલુરુ કેમ્પમાં મને શોર્ટ પિચ બોલ અને બાઉન્સી વિકેટ પર કેવી રીતે રમવું તેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. 21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઇન્ટરનેશનલ વન-ડે, ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્ત્વ છે. યાસ્તિકા બીસીએ અંડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે.
યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે. યાસ્તિકાએ જણાવ્યું કે, કોરોના લોકડાઉનમાં ક્રિકેટ બંધ થઈ ગયું હતું. સમય વેડફ્યા વગર મેં તેનો ઉપયોગ કર્યો હતો. મારા પિતાએ પાર્કિંગ એરિયામાં નેટ્સ બંધાવી આપી હતી. ટ્રેનર સંતોષ ચોગલે મને ટ્રેનિંગ આપવા આવતા હતાં. ક્રિકેટમાં આગળ વધવા ઘણો પરિશ્રમ કર્યો છે. આ ઉપરાંત મને મારા પરિવાર, પાડોશીઓ, કોચ અને ટ્રેનરનો ઘણો સહકાર પણ મળ્યો છે. ન્યુઝીલેન્ડની વિકેટ પર બેટિંગ કરવા હું ખુબ ઉત્સાહી છું. વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના મારા રોલ મોડલ છે. નોંધનીય છે કે, અઢી વર્ષ પહેલાં ભારતીય મહિલા એ ટીમ માટેની પણ તેની પસંદગી કરાઈ હતી. બે વર્ષ પહેલાં ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકા ટીમ સામેની ભારતીય ટીમમાં પણ યાસ્તિકાની પસંદગી કરાઈ હતી.