પ્રિ-મોનસૂન આજે કેરળ અને કર્ણાટક થઈને ઉત્તર ભારતમાં દસ્તક આપી શકે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર, ઝારખંડ સહિત અન્ય રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે ઘણા રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ભારે પવનને કારણે ગરમીમાંથી પણ રાહત મળવાની આશા છે.
યુપીમાં શનિવારે સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. અમરોહામાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે. 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.. મથુરા-જાલૌનમાં કરા પડ્યા. જ્યારે કાનપુર, મેરઠ, મુરાદાબાદ, પ્રયાગરાજ, અમરોહામાં વરસાદ થયો હતો. આગામી એક-બે દિવસ યુપીમાં આંધી-તોફાન થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.
રાજસ્થાનમાં ફરી એકવાર બદલાતા હવામાનની મોસમ શરૂ થઈ ગઈ છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ મોડી સાંજે જયપુરમાં હળવો વરસાદ થયો હતો. ગાજવીજ સાથે શહેરના આકાશને વાદળોએ ઘેરી લીધું હતું. થોડી જ વારમાં વરસાદ પડતાં રાહત અનુભવી હતી. જેના કારણે તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે.
હવામાન કેન્દ્ર જયપુરના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે જયપુર, બિકાનેર અને ભરતપુર ડિવિઝનમાં આગામી 24 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.
દિલ્હીમાં 22 થી 24 મે દરમિયાન વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ અને ઝરમર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22 થી 24 મે દરમિયાન ગરમીથી રાહત મળશે. 25 મે સુધી દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રીની રેન્જમાં રહેશે. 23 મે માટે ઘણા ભાગોમાં ભારે વરસાદ, કરા અને તોફાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન મધ્ય પર્વતીય વિસ્તારોમાં વરસાદ પડશે. 24 મેના રોજ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 25મીએ ઊંચા પર્વતીય વિસ્તારોમાં હવામાન ચોખ્ખું રહેશે.
હવામાન વિભાગે કેરળના દસ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 21 થી 24 મે દરમિયાન દેશના પૂર્વી રાજ્યો અને ઉત્તર પશ્ચિમ ભાગોમાં વરસાદ, વાવાઝોડાની સ્થિતિ રહેશે.