ગુજરાત વિધાનસભા ચૂંટણીને એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના બે નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. જ્યારે બીજી તરફ ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. હવે આપના ઇસુદાન ગઢવીએ મોટો દાવો કર્યો છે.
ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, વિજય ભાઇ અને મહેશ ભાઇએ અમને આજ સુધી સાથ આપ્યો તેમનો આભાર, તેમણે અમારી સાથે રાત-દિવસ સંઘર્ષ કર્યો છે એમનું યોગદાન ભૂલીશું નહી. ઇસુદાને ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, ભાજપે દોગલી નીતિ શરૂ કરી છે, ભાજપને ખબર નથી કે અમે કોંગ્રેસ નહી પણ આમ આદમી પાર્ટી છીએ, અમે જનતાની પાર્ટી છીએ. ભાજપ જેટલા લોકોને તોડવાના પ્રયાસ કરશે તેટલી ભાજપ પ્રત્યે નફરત વધશે.
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં કહ્યુ કે, ભાજપના અનેક મોટા નેતા અમારા સંપર્કમાં છે, સમય આવશે ત્યારે અમે ભાજપને રંગ બતાવીશું, ટાઇગર અભી જિંદા હૈ.